સરકારી નોકરી છોડી રાજકોટિયને અમેરિકન મકાઈ વેચવાનું શરૂ કર્યું, વર્ષે 10 લાખ રૂપિયાની કમાણી કરી

 અમેરિકન મકાઈમાં અલગ અલગ વસ્તુઓ બનાવીને વેચાણ કરી રહ્યા છે.

  • અમેરિકન મકાઈનાં પિત્ઝા અને સેન્ડવિચ સહિત 10થી વધુ વરાઇટીનું વેચાણ કરી રહ્યા છે
  • ખેડૂતોને અમેરિકન મકાઈની માહિતી આપવા માટે દર વર્ષે કૃષિમેળામાં સ્ટોલ ઊભો કરે છે
  • સરકારી નોકરી મેળવવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચવાની સાથે વર્ષો સુધી મહેનત કરતા હોય છે, પરંતુ 26 વર્ષ પહેલાં ગુજરાત સરકારની નોકરી જતી કરીને મકાઈ વેચવાનું શરૂ કરનાર આજે વર્ષે 10 લાખની કમાણી કરી રહ્યાં છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. મૂળ કાલાવડ તાલુકાના જુવાનપર ગામના વતની અને રાજકોટમાં રહેતા લવજીભાઇ અમેરિકન મકાઇનું વાવેતર કરીને છેલ્લાં 26 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. મકાઇના ઉત્પાદને તેમને આર્થિક ક્ષેત્રે પણ અનેક લાભ આપ્યા છે. લવજીભાઇને 26 વર્ષ પહેલાં એસટી વિભાગમાં કન્ડક્ટરની સરકારી નોકરી મળી હતી, પરંતુ કન્ડક્ટરની નોકરી છોડી તેમણે પોતાની 10 વીઘા જમીનમાં અમેરિકન મકાઇ વાવી અને રાજકોટમાં દુકાન રાખી વેચવાનું ચાલુ કર્યું હતું. આજે લવજીભાઇ વર્ષે 10 લાખની કમાણી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કોરોના પર એક્સિર એવાં આંબળા અને દાડમનો જ્યૂસ પણ વેચી રહ્યા છે.
  •  નોકરી છોડ્યા બાદ સુરતમાં નસીબ અજમાવ્યું, પરંતુ સફળ ન થતાં મકાઈ વાવીને વેચાણ કર્યું.
  • રિદ્ધિ-સિદ્ધિના નામે રાજકોટમાં બે દુકાન

  • રાજકોટમાં અમેરિકન મકાઇ માટે રિદ્ધિસિદ્ધિ એક બ્રાન્ડ બની ગઇ છે. જોકે આ બ્રાન્ડની પાછળ એક ખેડૂતની સંઘર્ષની કહાની છુપાયેલી છે. લવજીભાઇ વેરાયા(પ્રજાપતિ)એ પોતાની કારર્કિદીની શરૂઆત એસ.ટી. કંડક્ટર તરીકે ફરજ બજાવી શરૂ કરી હતી. જોકે તેમના માથે માતા-પિતા અને તેના બે ભાઇઓનાં ભરણ-પોષણની જવાબદારી હતી. એટલું જ નહીં, પરંપરાગત ખેતીમાં પણ જોઇએ તેટલી ઊપજ મળતી ન હતી અને એટલા માટે જ લવજીભાઇએ કંડક્ટરની નોકરી છોડીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું.
  • ટેક્સટાઇલના ઉદ્યોગમાં સફળતા ન મળી
    લવજીભાઇએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલના ઉદ્યોગમાં પણ જોઇએ એટલી સફળતા મળી નહીં અને સુરતમાં આવેલા પૂરમાં કારખાનું અને તેમાં રહેલો સામાન ડૂબી ગયો હતો, આથી પાયમાલ થઇ ગયા હતા. ઉદ્યોગની શોધમાં સુરત ફરતો હતો અને રસ્તા પર મળતી અમેરિકન મકાઇ ખાઇને ગુજરાન ચલાવતો હતો. જોકે એ દરમિયાન મને વિચાર આવ્યો અમેરિકન મકાઇ વાવીને વેચવાનો. મકાઇનો સાથ મળ્યો અને આજે હું સફળતાની સીડીઓ સર કરી રહ્યો છું.
  • પોતાની જ 10 વીઘા જમીનમાં મકાઈ વાવીને વેચાણ કરે છે.
  • પોતાની જમીનમાં અમેરિકન મકાઇ વાવી
    લવજીભાઇને જણાવ્યું હતું કે એ સમયે સુરતમાં વેચાતી અમેરિકન મકાઇનું સૌરાષ્ટ્રમાં ચલણ ન હતું. એને કારણે અમેરિકન મકાઇ રાજકોટમાં વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં સુરતથી અમેરિકન મકાઇ મગાવવાની શરૂઆત કરી અને અહીં વેચવા લાગ્યો અને લોકોનો સારો પ્રતિસાદ મળવા લાગ્યો, જેથી બાપદાદાની પરંપરાગત ખેતી હોવાને કારણે જ મારા ખેતરમાં અમેરિકન મકાઇનું વાવેતર શરૂ કરવાનું વિચાર્યું અને વર્ષ 2000માં કાલાવડના જુવાનપર ગામ ખાતે આવેલી 10 વીઘા જમીનમાં મકાઇનું વાવેતર કર્યું.
  • અમેરિકન મકાઈમાં શરૂઆતનાં 3 વર્ષ સફળતા ન મળી છતાં હિંમત હાર્યા નહોતા.
  • એક જ સૂત્ર અમારું ઉત્પાદન અને અમારું વેચાણ
    મકાઈ વેચનાર લવજીભાઇએ વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતનાં ત્રણ વર્ષ સુધી મને સફળતા મળી ન હતી અને પાક નિષ્ફળ ગયો. જોકે હિંમત ન હારીને ક્રમશઃ વાવેતર ચાલુ રાખ્યું હતું અને જે મકાઇનું ઉત્પાદન થાય એને મારી જ દુકાનમાં અલગ અલગ ફ્લેવર સાથે વેચવા લાગ્યો. રાજકોટના કિશાનપરા અને કાલાવડ રોડ પર એમ બે પ્રાઇમ લોકેશન પર હાલમાં મકાઇ વેચવાનો વ્યવસાય કરી રહ્યો છું, જેમાં હવે તો અમેરિકન મકાઇના પિત્ઝા અને સેન્ડવિચ સહિત 10થી વધુ વરાઇટીનું વેચાણ કરું છું. મારું માત્ર એક જ સૂત્ર છે 'અમારું ઉત્પાદન અને અમારું વેચાણ.' જ્યારે ગ્રાહકો પણ વર્ષાઋતુ અને શિયાળામાં વિશેષ પ્રમાણમાં અમેરિકન મકાઇનો સૂપ પીવા માટે આવે છે.
  • કૃષિમેળામાં સ્ટોલ લાગે છે
    લવજીભાઇએ જણાવ્યું હતું કે કપાસ અને મગફળીની સરખામણીએ અમેરિકન મકાઇનું વાવેતર એ મૂલ્યવર્ધિત વાવેતર છે. ટૂંકા સમયમાં આ વાવેતરને કારણે ખેડૂતોને આર્થિક લાભ મળે છે. એટલું જ નહીં, મકાઇની ઊપજ મેળવ્યા બાદ બાકીનો જે ભાગ હોય છે એ પશુઓના ચારા માટે શ્રેષ્ઠ ગણાય છે. અન્ય ખેડૂતોને અમેરિકન મકાઇ અંગે જાગૃતિ આવે એટલા માટે હું દરેક કૃષિમેળામાં પોતાનો સ્ટોલ રાખું છું અને મેં કરેલી પ્રગતિ અન્ય ખેડૂતોને બતાવું છું.
  •  અમેરિકન મકાઈમાંથી સેન્ડવિચ અને પિત્ઝા પણ બનાવીને વેચાણ કરી રહ્યા છે.
  • જ્યૂસના મશીન જાતે બનાવ્યાં
    મોસંબી, સંતરા, દામના જ્યૂસ કાઢતાં મશીનો લવજીભાઈએ પોતાની જાતે બનાવ્યાં છે. સવારે જોગિંગમાં નીકળતા લોકો લવજીભાઇની દુકાને અવશ્ય ઊભા રહે અને જ્યૂસનો સ્વાદ માણે છે તેમજ સાંજ પડે એટલે મકાઇ ખાવા લોકો તેમની દુકાને ઊમટી પડે છે. લવજીભાઇએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. લવજીભાઇ હાલ સ્વીટકોર્ન નેચરલ સૂપ કે જેમાં ગરમા-ગરમ આદુ, હળદર અને મરી મસાલાનો સમાવેશ થાય છે એનું પણ વેચાણ કરે છે તેમજ ફ્રેશ દાડમ જ્યૂસ, મોસંબી જ્યૂસ, પાઇનેપલ જ્યૂસ, મિક્સ ફ્રૂટ્સ, નેચરલ આમળાં ચ્યવનપ્રાશ, એપલ જ્યૂસ, દાંત પર ઘસવાનો દેશી બાવળનો પાઉડર સહિતનું પણ વેચાણ કરે છે. મસાલા મકાઇ, ચીઝ મકાઇ, મકાઇ સૂપ, મકાઇ ચેવડો, મકાઇ પિત્ઝા, સેન્ડવિચ પણ વેચે છે.

Comments

Popular posts from this blog

50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ